અમૃત ઘાયલ ~ રાખી છે Amrut Ghayal

જિગર તરબોળ રાખ્યું છે,નજર ઘેઘૂર રાખી છે
જવાનીને મહોબ્બતનાં નશામાં ચૂર રાખી છે.

કે રાખી છે અમે આબાદ બદસ્તૂર રાખી છે
મહોબ્બતને અદાવતથી હંમેશા દૂર રાખી છે.

હતી મુખ્તાર તોયે ને મને મજબૂર રાખી છે
સમયની પણ ઘણીયે માંગણી મંજૂર રાખી છે,

ઘણીયે વાર પટકાય પડ્યાં છીએ જીવન પંથે
પરંતુ બંધ મુઠ્ઠીને ભરમ ભરપૂર રાખી છે.

નથી હીણી થવા દીધી કદી એને જુદાઈમાં
હતી બે નૂર તોયે આંખને ચકચૂર રાખી છે.

નથી કૈં યાદ ક્યારે આપલે આવી કરી બેઠા
સમજ સાટે અમે સૌ પીડા ગાંડી તૂર રાખી છે.

અમે તો જીવતા જીવે મઝા માણી છે જન્નતની
ખુદાને પણ ગમે એવી હૃદયમાં હૂર રાખી છે.

બની ગઈ છે અટારી બાવરી આરત નિહાળી ને
અમે આ આંખ ફાટેલ એ હદે આતૂર રાખી છે.

ગઝલ એકાદ તો વાંચી જુઓ એકાંતમાં ‘ઘાયલ’
અમે એ આહમાં શીરાઝની અંગુર રાખી છે.

~ અમૃત ઘાયલ



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “અમૃત ઘાયલ ~ રાખી છે Amrut Ghayal”

Scroll to Top