વાંસળી વાગી હશે
એના હૈયે પણ ન જાણે લ્હાય શી લાગી હશે ?
ફાગણે જ્યાં ફૂલગુલાબી ઓઢણી દાગી હશે !
ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે !
ઊંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે !
શ્વાસ અલગારી હશે, ઉચ્છવાસ વરણાગી હશે;
જયારે મીઠી મૂંઝવણ મનમાં થવા લાગી હશે.
મય હશે મુસ્તાક મારી આંખની મસ્તી વિશે;
જામને પણ મારા હોઠોની તરસ લાગી હશે.
આ હ્રદય જંપે, નહોતાં કોઈ એવાં કારણો;
એની શાતા કાજ દુનિયાએ દુઆ માગી હશે.
જ્યાં તમન્ના ત્યાં જ નિષ્ફળતા ય ઢાંકે છે ‘ગની’,
હોય જ્યાં હૈયું, તો હૈયે ચોટ પણ લાગી હશે.
~ ‘ગની’ દહીંવાલા
