ગની દહીંવાલા ~ ઉતારી મેલે * Gani Dahiwala

ઉતારી મેલે જગત ધૂળની સપાટીથી,
એ પહેલાં પ્રેમ કરી લ્યો કબરની માટીથી.

લખાણ રૂપે જો પ્રત્યક્ષ થૈ શક્યા ન અમે,
ઉપાડી લેવા હતા કો’ પરોક્ષ પાટીથી.

તરસના શ્વાસ જો ધીમા પડ્યા તો પડવા દો !
કે હોઠ ત્રાસી ગયા છે આ ઘરઘરાટીથી.

ખુદા ! ક્ષુધા હતી આદમની ઘઉંના દાણા શી,
અમે શિયાળ શું મન વાળ્યું દ્રાક્ષ ખાટીથી.

ન ભય બતાવ કયામતનો, મારા ઉપદેશક !
તને નવાજું હું જીવતરની હળબડાટીથી.

પરાણે જીવવું એ પણ છે એક બીમારી,
ઉપાય દમનો ન કરશો તબીબ ! દાટીથી.

નિરાંતે હાથ હયાતીની છાતીએ મેલ્યો,
ત્વચાનું પૂછ મા, દાઝી ગયા રુંવાટીથી.

‘ગની’, આ ગૂંચને જીવતરની પ્રક્રિયા જ ગણો,
દિવસ કપાય, તો રાત ઊભરાય આંટીથી.

~ ગની દહીંવાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top