ગની દહીંવાલા ~ આયખા-તાપણું * Gani Dahiwala

તને ઓછું ન પડે ~ ગની દહીંવાલા

આયખા-તાપણું કેમે કરી ટાઢું ન પડે,
મારી સાથે તો હવે મારું યે પાનું ન પડે.

કોઈ ઇન્સાફ કરો, મારી અધરબંદીનો,
ઊમટે ઉદગારનો દરિયો, અને ટીપું ન પડે ?!

ઘર ભરી દીધું છે એકાંતથી તારે કારણ,
દિલની બેચેની ! કશું યે તને ઓછું ન પડે.

પાંપણે રંગ છે માણેલ ભીની મોસમનો,
મોર નાચીને ઊડી જાય, ને પીંછું ન પડે ?

જ્યાં બન્યું શક્ય ક્ષિતિજોને ખભે લઈ ચાલ્યા,
નામ સંબંધના આકાશનું નીચું ન પડે.

એક આ પાન ! જે ફરક્યાં કરે લીલું લીલું,
ને જો ઊખડે, તો પવનથી કદી પાછું ન પડે.

દિલના ખંડેરમાં પડઘાય ‘ગની’, ભાંગેલા,
કોઈનું નામ લઇ બૂમ જો પાડું, ન પડે.

~ ગની દહીંવાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top