ગની દહીંવાલા ~ જખમના અધર પર * Gani Dahiwala

પ્રયત્નો કરે છે ~ ગની દહીંવાલા

જખમના અધર પર દીઠું સ્મિત આછું, મુહોબ્બત મઝાના પ્રયત્નો કરે છે,
હૃદયમાં હવે દર્દ પણ દુ:ખ વિસારી, વધુ જીવવાના પ્રયત્નો કરે છે.

ખરી પડતાં આંસુને પાલવ પ્રસારી, કોઈ ઝીલવાના પ્રયત્નો કરે છે,
પ્રણયની પ્રણાલીનું આજે થશે શું? રુદન રીઝવાના પ્રયત્નો કરે છે !

થયો છું સદા એની પાછળ ફના હું, હવે એ થવાના પ્રયત્નો કરે છે;
ન જાણે હૃદયને થયું આજ છે શું ! કે જંપી જવાના પ્રયત્નો કરે છે !

જીવન જાણે રાધાની મટકી સમું છે, અને ભાગ્ય છે કૃષ્ણની કાંકરી સમ,
રસીલી રમત છે : કોઈ સાચવે છે, કોઈ ભાંગવાના પ્રયત્નો કરે છે !

છે એવું વહન ઊર્મિઓનું હૃદયમાં, છે એવું શમન ઊર્મિઓનું હૃદયમાં,
સદા જાણે સાગર ઉગારી રહ્યો છે, નદી ડૂબવાના પ્રયત્નો કરે છે !

જૂઠી આશનાં ઝાંઝવાંને સહારે વટાવી ગયા રણ અમે જિંદગીનું,
તરસ જાણે તૃપ્તિના વાઘા સજીને, સ્વભાવિકપણાના પ્રયત્નો કરે છે.

દિમાગોની દુનિયા પ્રકાશી રહી છે, છતાં દીપ દિલના નથી ઓલવાતા,
‘ગની’, કોઈને એ ડહાપણ ન લાગે, પરંતુ દીવાના પ્રયત્નો કરે છે.

~ ગની દહીંવાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top