ધીરુ પરીખ ~ જળને તે શા ઘાટ * Dhiru Parikh

🥀🥀

જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે,
કોઈ વેળા તો જોતજોતાંમાં આભને આંબી ઘેરે,
ક્હેવો હોય તો દરિયો કહો, વાદળાં કહોઃ છૂટ !
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !

ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે,
ખીણમાં પડે તોય ફીણાળાં હસતાં કેવાં કોડે !
ઝરણાં ક્હો કે નદીયું હો, પણ અભેદ છે જ્યાં ફૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !

ભર ચોમાસે ધસતાં જાણે ગાંડાં હાથી-ઝુંડ,
વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ,
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !

~ ધીરુ પરીખ

આજે વિશ્વ જળદિન. આવા દિવસોની ઉજવણીનું કારણ જે તે બાબત પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવવી.

નદીઓનાં નીર સુકાતાં જાય છે. ઝરણાં સરોવર ભૂતળમાં અદૃશ્ય થતાં જાય છે. વાવ-કૂવાનાં પાણી ડૂકતાં જાય છે. અને છતાં પાણીનો બગાડ અઢળક અને અસહ્ય છે. આપણે પાણી બચાવવા માટે જાગૃત નહીં થઈએ તો ભવિષ્યમાં જેમ આપણાં બાળકો ચોખ્ખી હવા માટે ટળવળશે એમ જ ચોખ્ખાં પાણી માટે પણ વલખાં મારશે. અને આમેય કોઈપણ ચીજ, એ કુદરતે સરજેલી હોય કે માનવીએ, કશાયનો બગાડ તો અપરાધ જ છે, એના માટે સજાની જોગવાઈ કરવાનો સમય આવી ગયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “ધીરુ પરીખ ~ જળને તે શા ઘાટ * Dhiru Parikh”

  1. આદરણીય ધીરુ પરીખ સાહેબની શબ્દ ચેતનાને વંદન

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ

    ધીરૂભાઇ એક સૌમ્ય સાહિત્યકાર અને વળી સ્પષ્ટ વક્તા તેમનું આ જોરદાર ગીત હંમેશાં યાદ રહેશે…
    જળ પરનું એક સુંદર ગીત ‘ જળને તે શા ઘાટ‌..’
    ખૂબ ખૂબ આભાર લતાબેન

Scroll to Top