પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’ ~ બે ગઝલ * Purnima Bhatt

બે ગઝલો

જે હતી મોઘમ, ગઝલમાં એ ક્ષણો ઢાળી નથી.

શું તમે એ એક પણ ક્ષણ મન ભરી માણી નથી?

કંઈ ક્ષણો વીતી હતી જે આપના સંગાથમાં,

છે હજુ મદહોશ, સરખી હોંશમાં આવી નથી.

સૂર્ય આથમવાની વેળા આભ લીપે લાલિમા,

મેં અધૂરી કોઈપણ પૂજા પછી રાખી નથી.

હાથમાં હું લઉં કલમ ને સ્પર્શ ઝીણું રણઝણે,

શબ્દને જીવંત કરવા કોઈ કસર બાકી નથી.

વાત જ્યાં હો રામની ત્યાં બોરનો પર્યાય ક્યાં?

ચીજ બીજી કોઈ શબરીએ કદી ચાખી નથી.

~ પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’

*****

ક્ષણ પછી ક્ષણ તોડતાં થોડો સમય તો લાગશે,

અંચળો ફંગોળતા, થોડો સમય તો લાગશે.

મેં મને પૂરી હતી, સીમિત કરીને (કૌંસ)માં,

‘અવતરણ’માં લાવતાં, થોડો સમય તો લાગશે.

એક પથ્થરને મેં પૂજી, સ્થાપી તો દીધી મૂરત,

પ્રાણ એમાં પૂરતા, થોડો સમય તો લાગશે

શબ્દ મારાં ટળવળે છે હોઠ પર એના સતત,

મૌનને ઢંઢોળતાં થોડો સમય તો લાગશે.

આયનામાં તડ પડી ગઈ ‘ને થયા ચહેરા અનેક,

બિંબ સઘળાં જોડતાં થોડો સમય તો લાગશે.

ટેરવાં પર સ્પર્શ તારો જો હજુ ટહુક્યા કરે,

ટેરવાં  ખંખેરતા  થોડો  સમય  તો  લાગશે

હું મને ‘શીર્ષક’ સમજતી, માન્યતા ખોટી ઠરી,

‘હાંસિયે છું’ માનતાં, થોડો સમય તો લાગશે.

~ પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’

બહેનોને લખતી કરવા માટે શ્રી ધીરુબહેન પટેલે ઘણી મહેનત કરી હતી. આનંદ છે કે સાહિત્ય અને દરેક ક્ષેત્રે બહેનો હવે ખૂબ કામ કરે છે. પૂર્ણિમાબહેનની આ બે સરસ ગઝલ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

14 thoughts on “પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’ ~ બે ગઝલ * Purnima Bhatt”

  1. ઉમેશ જોષી

    પૂણિઁમા ભટ્ટની બન્ને ગઝલ રોચક છે.
    અભિનંદન.

  2. Kirtichandra Shah

    J હતી mogam te ક્ષણોને મેં ગઝલ ma dhadi નથી વાહ વાહ

  3. દીપક વ્યાસ 'સાગર'

    ધીરુબેન પટેલની માફક પૂર્ણિમાબેન પણ ગઝલ લેખનના માર્ગદર્શક છે બન્ને રચના ખૂબ સરસ….. 👏👏

Scroll to Top