
નથી પિંડ માટીનો ત્યાં છે હવે ચાકડો ખાલી
રે પીંજારા બોલ કાંતશે કોના શ્વાસને ઝાલી ?
વાતો કરજે પંખી સાથે દરિયાને દે તાલી
તારું સર્જન તને મુબારક કહી જિંદગી ચાલી
કહેવું પડશે તારે માણસ તારી ખોટ સાલી
નથી પિંડ માટીનો ત્યાં છે હવે ચાકડો ખાલી…..
વાદળ છોને આવે ચોમાસાનું પાણી પાવા
નથી ગરગડી ગરજ લઈને ઊભી ડોલ ભરાવા
હોય તરસ તો તું જ ભરીને પીજે જળની પ્યાલી
નથી પિંડ માટીનો ત્યાં છે હવે ચાકડો ખાલી….
ઊગી ગયાં છે બાવળ! કેવાં બીજ બધે તેં વાવ્યાં?
ખેતર જંગલ થઈ ગ્યા કેવા નસીબ લઈને આવ્યાં?
હળને જોડી તું જ ખેડજે આ ધરતી વનમાળી,
નથી પિંડ માટીનો ત્યાં છે હવે ચાકડો ખાલી.
બધાં જીવને દેજે પણ ના દેતો અમને કાયા,
ફરી ઝૂંપડી બાંધીશું તો ફરી લાગશે માયા.
હવે ન ચળશું ગમે તેટલી દે તું જાહોજલાલી,
નથી પિંડ માટીનો ત્યાં છે હવે ચાકડો ખાલી.
~ તેજસ દવે
સરસ મજાનું ગીત. પૂરી ફિલોસોફી છે પણ સંપૂર્ણ કાવ્યાત્મકતા. કોઈ ભાર વગર, કોઈ ઉપદેશાત્મકતા વગર…
ક્યાંક વિષયાંતર લાગે છે પણ કવિના મનમાં કશુંક જુદું હોય એમ બને.
પણ ગીતનો ભાવ અને ગીતાત્મકતા ગમ્યા.

ખુબ સરસ ભાવ કવિતા મા ઉભરે છે ખેતી ની દુર્દશા ની વાત હોય કે પછી ઝૂંપડી ની માયા ની વાત કવિ ખુબ સરળતાથી કહેછે ખુબ ખુબ અભિનંદન
સમજવા જેવી વાત કાવ્યમાં,અને વળી ગીતમાતો ખાસ હોવી ઘટે,એ વાતના જાણકાર કવિ શ્રી ની ખૂબ સરસ રચના ખૂબ ગમી ગઈ,ખૂબ ગહન વાત નહિ વાતોને સાવ સરળ રીતે મૂકી છે.કવિની
આ ખૂબી ને સલામ.
સરસ પ્રયત્ન….
સરસ ગીત ગમ્યું શુભેચ્છાઓ
કવિ શ્રી તેજસ દવેનું અલખ ભાતનું કાવ્ય…. વાહ વાહ