આદિલ મન્સૂરી ~ આદિલ કરો વિચાર* Aadil Mansuri

નહીં જીરવી શકો

આદિલ કરો વિચાર, નહીં જીરવી શકો
સુખના બધા પ્રકાર નહીં જીરવી શકો

ઈશ્વરનો પાડ માનો કે પડતી નથી સવાર
સૂરજનો અંધકાર નહીં જીરવી શકો

થાકી જશો શરીરની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો

આ ભીડમાંથી માર્ગ નહીં નીકળે અને
એકાંત પણ ધરાર નહીં જીરવી શકો

મારગમાં એક એવી અવસ્થા ય આવશે
જ્યાં મૌનનો ય ભાર નહીં જીરવી શકો

મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો

મિત્રો કે શત્રુઓથી બચી નીકળો પછી
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો

માથું ઘણુંજ નાનું છે પંડિતજીને કહો
આ પાઘડીનો ભાર નહીં જીરવી શકો

મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું
માથે સતત હગાર નહીં જીરવી શકો

આદિલ સુખેથી શ્વાસ નહીં લઈ શકો તમે
એના સતત વિચાર નહીં જીરવી શકો

~ આદિલ મન્સૂરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “આદિલ મન્સૂરી ~ આદિલ કરો વિચાર* Aadil Mansuri”

  1. પારુલ બારોટ

    વાહ… ખૂબ સરસ …. લતાબેન ઉત્તમ રચનાઓ માણવાનું એક માત્ર સ્થળ એટલે કાવ્ય વિશ્વ…

Scroll to Top