આમ અચાનક જાવું નો’તું,
જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું!
તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
જાવું’તું તો ચંદરને થઈ એક ચકોરી તારે ચાહવું નો’તું!
તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
જાવું’તું તો ખોબે ખોબે હ્રદયસભર અમી આપવું નો’તું!
તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું!
~ દેવજી મોઢા
કવિના જન્મદિવસે સ્મૃતિવંદના

સ્મૃતિ વંદન. કવિની સંવેદના સરસ રીતે ઝીલાઈ છે.
પ્રતિભાવકો અને મુલાકાતીઓ, સૌનો આભાર.