જયમનગૌરી પાઠકજી ~ બે કાવ્યો * Jaymangauri Pathakji

*પટોળું મારું પચરંગી*

જેવો નવલી વસંતને ઢંગ પટોળું મારું પચરંગી,
તેવો જોબનનો ઝાઝો ઉમંગ પટોળું મારું પચરંગી.

લીધો આભેથી આકાશી રંગ પટોળું મારું પચરંગી,
જાણે સીતા ને રામજીનો સંગ પટોળું મારું પચરંગી.

બીજો ચંપા શો ચંપેરી રંગ પટોળું મારું પચરંગી,
જાણે બેનીનું પીઠી ભર્યું અંગ પટોળું મારું પચરંગી.

પેલી કોકીલાનો કાળુડો રંગ પટોળું મારું પચરંગી,
કાળી કીકીના કોડનો ન અંત પટોળું મારું પચરંગી.

ગમે સંધ્યા-ઉષાનું રાતું અંગ પટોળું મારું પચરંગી,
જાણે કુમકુમનો લાલચટક રંગ પટોળું મારું પચરંગી.

સોહે વનની ઘટાનો લીલો રંગ પટોળું મારું પચરંગી,
લીલે સંસારે નવલો ઉમંગ પટોળું મારું પચરંગી.

જેવો નવલી વસંતનો ઢંગ પટોળું મારું પચરંગી,
તેવો જોબનનો ઝાઝો ઉમંગ પટોળું મારું પચરંગી.

~ જયમનગૌરી પાઠકજી

(15.9.1902 – 22.10.1984)

*આબુનું સૂર્યાસ્ત દર્શન*

પણે પણે જો નવયૌવના એ,
નિહાળતી ગર્વભરી સ્વરૂપને,
ચારે દિશાએ ધરી આયનાને,
વામાંગ ને દક્ષિણ અંગ ભાળે.

ને એ અંગમરોડ, નૃત્ય પદનાં, લાલિત્યના સ્રોત એ,
ને એ ભાવ, ભ્રૂભંગ એ અવનવા, ચાતુર્ય, ઉલ્લાસ એ,
બાલા એ મદમસ્ત સ્નેહ-સુખમાં આભે અનોખી તરે,
દેખી અંતર તૃપ્ત થાય નહીં કાં? આનન્દ શો ઉદ્ભવે!

અચિન્ત્યું થાય શું લુપ્ત? ચિત્ર ના ચૌવના તણું,
છતાં યૌવન શા એના રંગે ઢંગે સરી જતું!
એ શું વૃદ્ધ હશે. કંઈ જીવનનો કાપી રહ્યો પંથ ને,
દાતા જ્ઞાનપ્રકાશનો, અનુભવી, સર્વજ્ઞ સંસારનો;
થાતાં જીવનપૂર્ણ શું તરવરે ચિત્રા જુનાં, નેનમાં,
ને એ ચિત્ર અનેક રૂપ ધરતાં, ને આથમે શૂન્યમાં!

કે એ ચિત્ર હશે મનુજીવનનું દેખાય નોખા રૂપે,
જૂદાં નેત્ર વિલોકતાં જીવન કો એકાદ જૂદી રીતે,
કોનો આત્મજ, નાથ કો અવરનો, ભ્રાતા, પિતા કોઇનો,
રાજે એકલ વીર એમ જગમાં નાના રૂપે વિસ્તરે.

આબુનો પર્વતે આ તો,
શરદે સાંધ્યને સમે,
સૂર્યની અસ્ત વેળાએ,
દર્શનો નવલાં સરે.

~ જયમનગૌરી પાઠકજી (15.9.1902 – 22.10.1984)

કવયિત્રીના પરિચય માટે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “જયમનગૌરી પાઠકજી ~ બે કાવ્યો * Jaymangauri Pathakji”

Scroll to Top