બસ એટલું કે એના ઉપર મારો હક નથી
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.
કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી.
માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા
તારી છબી હું ચીતરું એવું ફલક નથી.
શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.
એવી રીતે મેં આશ વફાની તજી દીધી
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.
એના વદનને જોઈને ઓ ચાંદ માનનાર
મારા વદનને જો કે જરાયે ચમક નથી.
આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ
આ મારું મન છે, કાંઇ તમારું મથક નથી.
જ્યાં હું ન હોઉં એવા ઘણાય પ્રદેશ છે
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.
લાગે છે ફૂલ એ જ ચઢાવી ગયા હશે
‘બેફામ’ નહીં તો કેમ કબર પર મહક નથી.
– બરકત વિરાણી ‘બેફામ’
અનેક ગુજરાતી ફિલ્મો માટે જેમણે ગીતો લખ્યા છે અને જાણીતા પાર્શ્વગાયકોએ એ ગીતો ગાયા છે એવા ગુજરાતી ગઝલના બેતાજ બાદશાહ બરકત વિરાણી ‘બેફામ’ના પૂણ્યસ્મરણ સાથે સ્મૃતિવંદન.
આપ નીચે વિડીયો જોઈ શકશો જેમાં શાયર બેફામસાહેબના અવાજમાં ગઝલપઠન, સુપ્રસિદ્ધ ગાયકોએ ગાયેલી એમની રચનાઓ અને સાથે એમના જીવન-કવન અંગેની માહિતી પણ મળશે.
25.11.2020
***
Purushottam Mevada
13-04-2021
બેફામ જેવા શાયરની ગઝલો માં જે દુન્યવી દર્દનું આને મૃત્યુ વિષે નું ચિંતન છે એનો જોટો જડવો મુશ્કેલ છે. સરસ ટૂંકા માં રચનાઓ નું એમનું પઠન અને મનહરની ગાયકી નો આસ્વાદ માણ્યો. કવિશ્રી દાદની રચના ઓ મનનિય છે જ.
સંધ્યા ભટ્ટ
13-04-2021
બરકત વિરાણીના અવાજમાં ગઝલ સાંભળવાની મઝા આવી..સરસ પોસ્ટ મૂકો છો…લતાબહેન…
