
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી.
એકાંતનો આ મોગરો કોળી ઊઠ્યો જુઓ
એક આગવી સુવાસ છે, હું એકલો નથી.
સહરા છે, ઝાંઝવા છે, સતત ઊડતો ગુબાર
ને કોઇની તલાશ છે, હું એકલો નથી.
વાળી’તી જેમાં ગાંઠ જન્મભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હું એકલો નથી.
બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી.
આ કેફ ઊતરે તો હવે કેમ ઊતરે ?
ગેબી છલકતો જામ છે, હું એકલો નથી.
‘દીપક’ હું નીતરું છું સુરાહીમાં દમબદમ
ભરચક તલબનો જામ છે, હું એકલો નથી.
~ દિપક બારડોલીકર
એકલતા અને એકાંત બંને અલગ અર્થછાયા ધરાવતા શબ્દો છે. ‘એકલતા’ કનડે છે, ‘એકાંત’ હૃદયને સમૃદ્ધ બનાવે છે. સામાન્ય રીતે સર્જકને ‘એકાંત’ પસંદ હોય છે. ‘હું એકલો નથી’ એ એકલતા સામે તકાયેલું તીર છે, જાત સાથે આપોઆપ થતો સંવાદ છે. બની શકે અન્ય લોકોને અપાતો આ ઉત્તર પણ હોય ! હૃદયની સભરતા અલગ અલગ પ્રતીકોથી વ્યક્ત થઈ છે. મન તો વાવ જેવું હોય જ પરંતુ અહીં સુરાહી પણ ‘તલબ’નો જામથી ભરી છે ! સર્જક માટે ‘શબ્દનો ઉજાસ’ સદાય પ્રસન્નકર તત્વ બની રહ્યું છે. જે એકાંતમાં સુગંધી મોગરાની જેમ કોળી ઊઠે છે. કવિની સર્જક ચેતનાને આત્મવંદન.
23.11.2020
