જયંત ડાંગોદરા ~ શ્વાસની કરતાલ * Jayant Dangodara

શ્વાસની કરતાલ રાખી એકલા નાચી જુઓ
જાત સામે જાત રાખી જાત આરાધી જુઓ.

કાંઇ પણ ઊગે નહીં જેના થકી ક્યારેય તે
એક પળ જોગી સમી, બસ એક પળ વાવી જુઓ. 

હું જવાબો દઇશ નહીં મારા થિરકવાને વિશે
આ સતત નાચી રહેલા આભને પામી જુઓ.

આંસુઓ બહુ બહુ તો ઇચ્છાને ટકાવી રાખશે
આંસુને બદલે હવે લોહીને અજમાવી જુઓ.

કાંઈ બીજું કામ નહીં આવે કદી ‘સંગીતજી’
મૌન મારું વાંચવા મારી ગઝલ વાંચી જુઓ.

~ જયંત ડાંગોદરા

કરતાલમાં સંદર્ભ નરસિંહનો છે પણ ‘જાત સામે જાત રાખી જાત આરાધી જુઓ’ – એ વાત સદાયની છે અને આજે જ્યારે ગરબા એટલે કે નૃત્ય અને સંગીત થકી પરમ શક્તિને આરાધવાના દિવસો છે ત્યારે આ બાની કંઈક જુદો જ અર્થ પ્રગટાવે છે. ખુદના નર્તન થકી ખુદને આરાધવાની એટલે કે માંહ્યલાને પામવાની ઝંખના પંચમહાભૂત ઝીલી જ લેશે…. બસ જરૂર છે મગ્ન થવાની !!

શરૂઆતના ત્રણેય શેર આ જ ભાવને ઘૂંટે છે….. 

સાભાર :  1. ‘ફૂલોની પાંખ પર’  2. ‘છબી અવાજની’  કાવ્યસંગ્રહો  

મૂળ પોસ્ટીંગ 23.10.2020

***

Dilip Gajjar

23-10-2020

ખૂબ જ સુંદર આધ્યાત્મિક સંદર્ભ યુક્ત ગઝલ

Jayant Dangodara

23-10-2020

thankyou so much lataben

ઈંગીત મોદી

23-10-2020

વાહ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “જયંત ડાંગોદરા ~ શ્વાસની કરતાલ * Jayant Dangodara”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    નૂતન ભાવસભર તથા દરેક શેર પસંદ પડી જાય એવી સબળ ગઝલ

Scroll to Top