કરસનદાસ લુહાર ~ થયો * ચંદ્રકાંત શેઠ Karsandas Luhar Chandrakant Sheth

થયો ~ કરસનદાસ લુહાર

જાતથી ના વેંત પણ અધ્ધર થયો,

એ રીતે હું વેંતિયો સધ્ધર થયો.

પગ ગુમાવ્યા બાદ હું પગભર થયો,

ખોઈને માણસપણું ઈશ્વર થયો.

ઝંખના એવી અમરતાની હતી,

કે પળેપળ હું સતત નશ્વર થયો.

શૌર્ય મારું હું પચાવી ના શક્યો,

હાથમાં લૈ બૉમ્બ ને શાયર થયો.

સંસ્મરણ પૂર્વજનું તાજું રાખવા,

નર મહીંથી હું કદી વા-નર થયો.

આસ્વાદ – ચંદ્રકાંત શેઠ

કવિ શ્રી કરસનદાસ લુહાર (જન્મ : ૧૨-૮-૧૯૪૨, રાણીવાડા, જિ. ભાવનગર) પોતાના વિશે પ્રમાણમાં ઓછું બોલનારા, પરંતુ કવિતાના પંડમાં રહીને મર્મીલું બોલનારા કવિ છે. ઉપનામ એમનું ‘નિરંકુશ’, પરંતુ કાવ્યકલાના અંકુશ બહાર જવાનું પસંદ ન કરે એવી અદબવાળા કવિ. તેમણે કેટલાંક સુંદર કાવ્યો આપ્યાં છે – મોટેરાં માણે એવાં ને બાળકો ય માણી શકે એવાં. ‘જય જવાન’ (૧૯૬૮), ‘લીલો અભાવ’ (૧૯૭૪), ‘જળકફન’ (૨૦૦૦) જેવા કાવ્યગ્રંથો તેમણે આપ્યા છે. એમણે ગઝલમાં પણ કલમ ચલાવી છે.

કરસનદાસે ગઝલના સ્વરૂપની અદબ સાચવીને અહીં પોતાની વાત કાવ્યાચાર્ય કુંતક કહે છે તેવી વક્રતા સાથે, પ્રભાવક રીતે રજૂ કરી છે. કવિ સંવેદનશીલ હોઈ આજુબાજુ જે કંઈ ચાલે છે તેથી સભાન-સતર્ક હોવા સાથે વ્યથિત પણ છે. પોતાના વિશેય તેઓ સજાગ-સાવધાન છે. તેઓ આ ગઝલમાં આત્મનિરીક્ષકની રીતે પોતાની જાતને લપેટમાં લઈ આગળ વધતાં આત્મપરીક્ષણમાં પણ ઊતરતા જાય છે ને પોતાના વિશે વ્યંગ્યના સૂરમાં પણ કહેવાનું કહે છે. તેઓ ગઝલના મતલામાં ‘વેંત’ તેમ જ ‘વેંતિયો’ પદોનો તો બીજા શે’રમાં ‘પગ’ને ‘પગભર’ પદોનો જે રીતે વિનિયોગ કરે છે તે કાવ્યજ્ઞો ધ્યાનમાં લેશે જ. વળી કવિ આ ગઝલમાં સાદ્યંત કાફિયા-રદીફનો સુમેળ સાધીને જે રીતે ગઝલિયતનો પ્રભાવ દાખવે છે તે પણ ધ્યાનાર્હ છે. ગઝલિયતના યોગે કવિ પોતાના વ્યંગ્યવિષયને ધારદાર બનાવે છે. આમ તો ‘મુઠ્ઠી-ઊંચેરો’ ગણવાના પ્રપંચમાં પડેલો આદમી વસ્તુતઃ તો બધી રીતે વેંતિયો જ રહ્યો હોય છે, કેમ કે તે આંતરિક રીતે એક વેંત પણ પોતાનું ઉર્ધ્વીકરણ સાધી શક્યો નથી. એ રીતે એ વામણો હોય છે. આત્મબળે સાચી ઊંચાઈ સિદ્ધ કરવી ઘણી મુશ્કેલ હોય છે. કવિ આ વાત પોતાની જ જાતને નિમિત્ત કરીને રજૂ કરે છે.

બીજા શેરમાં કવિ પોતાની ‘પગભર’તા પણ પગ ગુમાવ્યા પછીની હોવાનું જણાવે છે. સાચી પગભરતા તો આત્મબળે; સ્વાવલંબિતાથી; દૃઢતા, શ્રદ્ધા, હિંમત અને ધૈર્યથી જ આવી શકે. કોઈ ટકાવે ને આપણે ટકીએ એ પગભરતા નથી. પોતાપણું ગુમાવીને મહાનતા સિદ્ધ ન થાય તે આ કવિ બરોબર સમજે છે. માણસ જો માણસાઈ જ ગુમાવી દે તો પછી એ ‘ઈશ્વર’ થાય તો પણ શું અર્થ છે ? માણસાઈનું દિવ્યતામાં જો રૂપાંતર થાય તો જ દેવત્વ – ઈશ્વરત્વ આવે. માણસાઈના ભોગે જો ‘ઈશ્વર’ના પદે પહોંચાય તો તેથી ન તો અન્યને કે ન તો ખુદને કશો ય લાભ થાય.

ત્રીજા શે’રમાં કવિ અમરતા ને નશ્વરતાનો મુદ્દો રજૂ કરે છે. કવિ બરોબર સમજે છે કે નશ્વરતાને કારણે અમરતાની ઝંખના ઉદ્ભવે છે. ખરેખર તો વ્યક્તિએ પોતાની નશ્વરતામાંથી કેમ બહાર નીકળવું તેના ઉપાયો વિચારવાના રહે. એ માટે આધ્યાત્મિક ભૂમિકાએથી આત્મદર્શન, જીવનદર્શન ને જગતદર્શન કરવાનું રહે. ‘અબ હમ અમર ભયે!’-ની અવધૂતી ચેતનાની ભૂમિકા હાંસલ કરવી એ ઘણી કઠિન અને સાતત્ય માગી લેતી સાધના છે. અહીં તો પોતાની નશ્વરતા વિસારે પાડી દઈ માણસ વિચાર, વર્તન અને વાણીમાં અભદ્રતાથી જે રીતે બેફામ બનતો હોય છે તે પ્રત્યેનો કવિનો વ્યંગ્યાત્મક નિર્દેશ આપણે જોઈ શકીએ.

સાચું શૌર્ય એટલે આત્મવીરતા. એ સિદ્ધ કરવું સહેલું નથી. ગાંધીની શૂરવીરતા – સંતની શૂરવીરતા જીરવવી કપરી હોય છે. હાથમાં બૉમ્બ લઈને ફોડવો અને એ રીતે હિંસા આચરવી એ તો પશુની હિંસાથીયે બદતર છે. આતંકીની હિંસા તો કાયરતા છે. ખરી શૂરતા તો અહિંસામાં છે – પંડે સહન કરીને બીજાનું ભલું કરવામાં છે. કવિ એ રીતે અહીં જીવનવીરતાનું પણ સૂચન કરતા જણાય છે. શૂરવીરતાનો દેખાવ એક બાબત છે અને હરિના માર્ગના – માણસાઈના માર્ગના શૂરા હોવું એ બીજી બાબત છે.

આમ આ ગઝલમાં કવિ દાંભિક નીતિરીતિઓને પોતાની નિર્માલ્યતા, પરાવલંબિતા, ભીરુતા, પશુતા, ખોખલી ઈશ્વરીયતા ને આભાસી અમૃતમયતા વગેરેને પોતાના જ નિમિત્તે વ્યંગ્યવિષય બનાવતાં, છેલ્લે મકતાના શે’રમાં પોતાની આજના સંદર્ભમાં જે નિમ્ન કોટિની કક્ષા છે તેનો વેદનાગર્ભ વ્યંગથી ખ્યાલ આપે છે. આજની હવામાં માણસ છે ખરો, પણ માણસાઈ વિનાનો છે. દેવ છે, પણ દૈવત વિનાનો અને નર છે તો તે નરત્વ વિનાનો છે. કવિ પોતાની વર્તમાન અવક્રાન્તિદ્યોતક ભૂમિકાનું વેદનાપૂર્વક નિરૂપણ કરતાં કહે છે : ‘નર મહીંથી હું કદી વા-નર થયો.’

ઉત્કટ આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ સાથે નિખાલસ આત્મદર્શનને વ્યંગ્યાત્મક રીતે રજૂ કરતી આ ગઝલની સાદગીમાં કવિની સંવેદનાની સમૃદ્ધિ કાવ્યરસિકોને માણવા મળશે એમ આપણે શ્રદ્ધાપૂર્વક કહી શકીએ.                          

સૌજન્ય : ‘ઓળખ’ 

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 10.1.2022

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “કરસનદાસ લુહાર ~ થયો * ચંદ્રકાંત શેઠ Karsandas Luhar Chandrakant Sheth”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    કાવ્ય અને આસ્વાદલેખ બંને મનમાં વસી જાય છે અને કાવ્યાનંદ અનુભવ આપે છે.

  2. kishor Barot

    કરસનદાસજીની સુંદર ગઝલનો અતિ સુંદર આસ્વાદ.

Scroll to Top