KS 445 : બકુલેશ દેસાઇ ~ વરસાદમાં Bakulesh Desai

ભીંજવું ક્યાં પરવડે વરસાદમાં?
ઉંબરાની હદ નડે વરસાદમાં!

મનસૂબા એ કૈ ઘડે વરસાદમાં
પણ પનો ટૂંકો પડે વરસાદમાં

મન પછી પાછળ દડે વરસાદમાં
ગીતને રમતું જડે વરસાદમાં..

રોજ મનને  મારતી હોઠો પીસી,
રોજ સાંકળ ખડખડે વરસાદમાં.

ઘાત જળની, વ્યાધિ જળનો સ્વામીને,
ભાવિ સામે શું લડે વરસાદમાં?

કોઈના નિ:શ્વાસ જાણે સાંબેલું!
કોણ ખાલીપો છડે વરસાદમાં?

બા’ર  બારે મેઘ ખાંગા થાય ને
એની આંખો દડદડે વરસાદમાં..

~ બકુલેશ દેસાઈ

કાવ્યસેતુ > દિવ્ય ભાસ્કર > 25.7.23 > વિવશ કરે વરસાદ ~ લતા હિરાણી

અમદાવાદમાં એકવાર ધારોધાર ધરપત આપીને વરસાદ વરસી ગયો ને હવે જાણે આવવાનું નામ જ નથી લેતો ! આ છપાશે ત્યાં સુધીના વર્તારા કદાચ ફરીને એવું જ વરસાવે! અભણ આંખોમાં પણ એની પ્રતીક્ષા ભરપૂર ભરેલી જ રહે. અલબત્ત આમ તો એ નદી, નવાણ, જળાશયો ભરીને ગયો છે તોય એના વરસવાની તરસ તો જાગતી જ રહે. .

સુરતના કવિ બકુલેશ દેસાઈની આ ગઝલ એક જુદા જ વિષયને લઈને આવે છે. વરસાદની વાતો તો કવિતામાં છલોછલ ભરી છે પણ અહીંયા વરસાદે ભીંજાવામાં મૂંઝાતી એક મજબૂર સ્ત્રીની વાત છે.

વરસાદ વિશે અનરાધાર લખાયું છે અને લખાતું રહેશે. કોલમની છાબડીમાં કે હાથની ખોબલીમાં સમાય તો એ વરસાદ શાનો ? ઇસરો ભલે ચંદ્રયાનો મોકલ્યા કરે, એક કવિ કે પ્રેમીના દિલમાં વરસાદ જે રોમાંચ જગવે, એની સરખામણી કશાની સાથે ન થઈ શકે. સમગ્ર પૃથ્વી એકતાન થઈ વરસાદ સાથે નૃત્ય કરતી હોય ત્યારે જે ટીવી કે મોબાઇલમાં આંખો ખોસી રાખે એવા શુષ્ક જનોનું શું કહેવું !

બીજી વાત એ છે કે વરસાદે કે પ્રકૃતિના કોઈ તત્ત્વે કવિને કે પ્રેમીને ઠેકો નથી આપ્યો, હરખાવાનો. કોઈ એક સ્ત્રી જે ભલેને કવિ નથી, એના હૈયામાં પણ વરસાદ એક આહલાદની અનુભૂતિ આપે છે, રોમાંચ પ્રસારે છે, ગીતો જગવે છે, એના સૂરને કોળે છે પરંતુ કાશ બિચારી એ કરી શકતી! એને ભીંજાવાનું જ પરવડતું નથી, પછીના હરખની તો વાત જ કેમ કરવી? કુટુંબની કડક નજર એને રોકે છે.

મન એને ઘણું છે પરંતુ એણે મનની મરજી મારી નાખવી પડે છે. મનમાં કૈંક ગીતો ઊઠે છે, મન ઝરણાની જેમ વરસાદની પાછળ વહે છે…. પરંતુ હોઠ પીસી દ્વારની બંધ સાંકળને નીરખવાનું એના નસીબમાં લખાયેલું છે. પતિને જળની ઘાત છે, એ પત્નીની પણ મજબૂરી બની જાય છે. ‘કોણ ખાલીપો છડે વરસાદમાં?’ કવિએ કેવું સરસ મજાનું કલ્પન છેડ્યું છે ! અને પછી બહાર વરસાદ ને ઘરમાં આંખો વરસ્યા કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “KS 445 : બકુલેશ દેસાઇ ~ વરસાદમાં Bakulesh Desai”

  1. ગઝલમાં નિશ્વાસનું સાંબેલાથી ખાલીપાને છડવાનું કલ્પન ‘ખાયણા’ ની યાદ અપાવે છે.

    1. Bakulesh Deaai

      સૌ મિત્રોનો aabhàr આસ્વાદ કરાવનાર બહેનશ્રીનો khas aabhaar

  2. 'સાજ' મેવાડા

    વાહ, મસ્ત વિરહની વરસાદી ગઝલ, આપે સરસ આસ્વાદીક ઉઘાડ આપ્યો.

Scroll to Top