ચટ્ટાનો ખુશ છે
ખુશ છે પાણા પથ્થર
વધી રહી છે એની વસ્તી
ગામ, શહેર, નગર…
પેલી પર્વતશિલા હતી કેવી
જંગલ આડે સંતાયેલી
હવે આખ્ખે આખ્ખો પર્વત
નાગોપૂગો બિચારો
ફાટી આંખે જોઇ રહ્યો
ને રોઈ રહ્યો
કોઈ નથી એનું તારણ
હારી ગયા ને હરી ગયા
ઝાડ, પાન ને જંગલ
ખુશ છે પાણા પથ્થર
વિશ્વાસ છે એમનો જબ્બર
કરશું અમે તો રાજ અહીં
વાર હવે ક્યાં ?
આમ જુઓ
આ માણસનાયે પેટે હવે
પાકી રહ્યા છે પથ્થરો.
~ લતા હિરાણી (‘ઝરમર’, ૨૦૧૬, પૃષ્ઠ ૫૮)
એક પથ્થર કેટલાં વમળો સર્જી શકે? ~ રમણીક અગ્રાવત
અસહ્ય યાતનામાંથી ક્યારેક શાપવાણી નીકળી જાય છે. પથ્થરનું ખડબચડાપણું બહુ બહુ કઠ્યું હોય ત્યારે આવું મનમાં મનમાં ઘૂંટતાં ઘૂંટતાં મોટેથી બોલી બેસાય છે. બોલીને પાછું એ તો મનને જ કનડવાનું હોય છે. પણ શું થાય? રૂપાળા હોય તોય પથ્થરોનો સહેવાસ સહી સહીને કેટલો સહેવાય? નિખાલસ મનમાંથી આવેલો શબ્દ ભલે પથ્થરની વાત કરતો હોય, પણ એ ઈજા પહોંચાડતો નથી. વાતની વશેકાઈ જ ત્યાં છે. પથ્થર વિશેની વાત જરાય ખરબચડા બન્યા વિના કરી શકાય. કવયિત્રી લતા હિરાણીની એક ગદ્યકૃતિમાં પથ્થરોની વાત કરતાં કરતાં એક કાવ્યશિલ્પ રચાઈ ગયું છે.
પથ્થરોના સમૂહમાં કે સમાજમાં ખુશી ફરી વળી છે. ચારે તરફથી જે સમાચારો મળી રહ્યા છે તે ઉત્સાહવર્ધક છે. ગામ, શહેર, નગરોમાં કહે છે કે પથ્થરોની વસ્તી વધી ગઈ છે. છેલ્લો વરતારો એવો છે કે પથ્થર એકતા જીંદાબાદ. જો હમ સે ટકરાયેગા,ચૂર ચૂર હો જાયેગા. પથ્થરો સાથે લમણાંઝીંક કરવામા અંતે લમણું ન રંગાય તો બીજું થાય શું? જયનાદમાં જોડાઈ ગયા છે ઘણા ખરબચડા હાથ. હવે ડરવાની કોઈ વાત નથી. પથ્થરમય બની ગયું છે સઘળું. આખેઆખો પર્વત પણ ઊઘડી ગયો છે એના પથ્થરપણામાં. વૃક્ષો ઓસરી રહ્યાં છે. અંદર જે હતું તે પથ્થરરૂપ બરાબર ઊપસી રહ્યું છે. મૂળમાં આ જ તો હતું. જંગલ આડે સંતાયેલો પહાડ એકાએક નથી જડ્યો, એને બરાબર જક્કી રહીને શોધી કાઢવામાં આવ્યો છે. પથ્થરોની વસ્તી વધી ગઈ છે. એટલે જ પાણા, પથ્થર, ચટ્ટાનો ખુશ છે. બહુ ખુશ છે.
– અને આ કામ કરી આપ્યું છે માણસોએ. માણસો વિકલ્પો અજમાવી અજમાવીને સુખ શોધી રહ્યા છે. કેમ કરીને વધુમાં વધુ સુખી રહી શકાય? – એ શોધ માણસોને અહીં લઈ આવી છે. સુખની શોધમાં નકરા પથ્થરોમાં લઈ આવી છે. બધું સફાચટ હોય તો વધારે મજા પડે. જ્યાં ત્યાં નડતાં ઝાડ ભલે ને જાય. જાય તો જાય! આ પથ્થરો વચ્ચે અહોહો કેવાં રૂપ ભળાય! વક્રતાની ટોચ તો ત્યાં આવે છે જ્યારે કવિતામાં એક ઉદ્ગાર નોંધાય છે:
આમ જુઓ
આ માણસનાયે પેટે
પાકી રહ્યા છે પથ્થરો.
બસ, હવે કંઈ બાકી રહ્યું નથી. અહીં સુધીનું સઘળું ખરબચડાપણું આ ત્રણ અર્ધ પંક્તિઓથી મટી ગયું. જાણે રંધો લાગી ગયો. એક સ્ફુલિંગ થાય ને અજવાળું અજવાળું. ‘ઝરમર’ નામનાં કાવ્યસંગ્રહમાં આ વાત બની છે. આપણા શાંત ચિત્તને કવયિત્રી એક પથ્થર ફેંકીને ડહોળી મૂકે છે, ડખોળી મૂકે છે. જો કે પથ્થરો ને પથ્થરો જ હોય ત્યાં કશાં વમળ ન પણ નીપજે. છેલ્લા સમાચાર મુજબ પથ્થરો હજી ખુશ છે.
કવિના કાવ્યાસ્વાદોના સંગ્રહ ‘બીજમાં બહુરૂપા’ (પ્ર. સ્વયં 2022)માંથી આભાર સહ.
www.kavyavishva.com
મૂળ પોસ્ટિંગ 10.5.2022