જનમોજનમની આપણી સગાઇ હવે શોધે છે સમજણની કેડી
આપણા અબોલાંથી ઝૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેડી…
બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં વિસ્તરતી જાય છે આ કેડી…….
રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી ખીલેલો લાગે આ બાગ
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને ! તારી સુગંધને ક્યાં વેરી?…..
~ મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ’
આસ્વાદ ~ નંદિની ત્રિવેદી
એક બહુ ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિને લગભગ દસેક વર્ષ પહેલાં મળવાનું થયું હતું. સંગીતકાર સ્વ. મોહન બલસારા ઇસ્કોનમાં કોઈ કાર્યક્રમ કરી રહ્યા હતા, જેમાં આજના શીર્ષક ગીતના કવિની રચના લેવાની હતી. કવિ-સંગીતકાર અને ગાયક કલાકારોની એક બેઠક હતી એમાં પહેલી વાર એ ઊર્મિશીલ-પ્રસન્નચિત્ત વ્યક્તિને મળ્યાનું મને યાદ આવે છે. કવિત્વ એમનું ખૂબ ઊંચું, પણ એ માણસની નમ્રતા એવી કે ક્યારેય એમણે પોતાની કવિતાનાં બણગાં ફૂંક્યા નથી. બિંદુ સ્વરૂપ રહીને મેઘ જેવી ગર્જના કરતું કર્તૃત્વ જેમનું છે એ કવિ છે ‘મેઘબિંદુ’. મેઘજી ડોડેચા એટલે કે ‘મેઘબિંદુ’ની કવિતા આપણી પોતીકી લાગે એવી આત્મીય અને સંવેદનાપૂર્ણ હોય છે. આ શબ્દસાધક અસરદાર અનુભૂતિને કાવ્ય સ્વરૂપે આપણાં સુધી પહોંચાડે છે, પછી એ અનુભૂતિ અંગત હોય કે બિન અંગત.
તાજેતરમાં જાણીતાં ગાયિકા હંસા દવેની ઑલ ઈન્ડિયા રેડિયો પર મુલાકાત લીધી ત્યારે એમણે મારી સમક્ષ મેઘબિંદુના જે ગીતનો ઉલ્લેખ કર્યો એ સાંભળ્યાં પછી મનમાં સતત ઘુમરાયા કરતું હતું. ચોટદાર શબ્દો અને હ્રદયસ્પર્શી સ્વરાંકન. માનવીય સંબંધોની ગર્ભિત કથા-વ્યથાનું એ ગીત; જનમોજનમની આપણી સગાઈ, હવે શોધે છે સમજણની કેડી …! સાંભળીને મન વિક્ષુબ્ધ ન થાય તો જ નવાઈ! ‘આ વાદ્યને તો કરુણ ગાન જ ભાવે’ ઉક્તિને જાણે યથાર્થ ઠેરવતાં હોય એમ મેઘબિંદુની ઘણી બધી કવિતાઓમાં વિષાદયોગ નિષ્પન્ન થતો જણાય છે. એ વિષાદયોગ પ્રિયજનથી દૂર થયાની વ્યથા હોય કે સ્વજનનું મૃત્યુ હોય, મેઘબિંદુની કવિતામાં સાંગોપાંગ ઊતરે છે. સમજદાર અને સંવેદનશીલ હોવાની સજા જેવી તેવી નથી. દુ:ખ ધરબાઈ રહે એના કરતાં કાવ્યરૂપે વ્યક્ત થઈ જાય એ વધારે યોગ્ય છે. અલબત્ત, એમના ચહેરા પરનું સ્મિત હંમેશાં બરકરાર હોય છે.
કહેવાય છે કે સંબંધ તોડતાં ફક્ત એક જ ક્ષણ લાગે, પણ સાચો સંબંધ જોડાતાં ઘણી વાર દાયકા વીતી જાય છે, જ્યારે સમજાય ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. સ્ત્રી-પુરુષ પહેલીવાર મળે ત્યારે તો બન્નેએ સ્વપ્નોની કેવી સરસ કેડી કંડારી હોય છે! થોડી સી ઝમીં, થોડા આસમાન, તિનકો કા બસ એક આશિયા …! સ્ત્રીની જરૂરિયાત બસ આટલી જ હોય, કારણ કે પ્રિયજનનો સાથ એ એની સૌથી મોટી મૂડી છે. અને પુરુષ પણ ઓળઘોળ થઈ ને પ્રિયતમાને એમ જ કહે, જો તુમ કો હો પસંદ વો હી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે …! પરંતુ લગ્ન સંસાર મંડાય પછી વાસ્તવિકતા કંઈક જુદી જ દેખાવા લાગે છે. ઘાસની કુટિરમાં રહી શકાતું નથી અને પત્નીની બધી વાતમાં હા એ હા પુરાવી શકાતી નથી. જિંદગી ચાંદ-સિતારોમાં સમાઈ જતી હોત તો જોઈતું’તું જ શું? બધાં જ સુખી હોત! લગ્ન સંસ્થાની શરૂઆત થઈ એ વાતને પાંચેક હજાર વર્ષ તો વીતી જ ગયાં હશે, છતાં પુરુષ અને સ્ત્રી હજુ પણ એકબીજાંને બરાબર સમજી શક્યાં નથી. જિંદગીના ખેલમાં બંનેને એકબીજા વગર ચાલ્યું નથી છતાં સરખી રીતે રમતા પણ એમને ન આવડ્યું! ક્રીડા અને પીડાની ખેંચતાણમાં પીડાનું પલ્લું નમવા લાગે ત્યારે આ શબ્દો સ્ફૂરે છે :
બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં વિસ્તરતી જાય છે આ કેડી …!
જીવનમાં પડેલી એક નાનકડી તિરાડ જ્યારે મોટી દીવાલ થઈને સામે આવે છે, ત્યારે એક સુખી જોડું સાવ છિન્નભિન્ન થઇ જાય છે. લગ્ન પછી સંલગ્ન ન થઈ શકાય ત્યારે જીવનમાં અકળામણ વધતી જાય છે. વાદવિવાદમાં બંનેને પોતાની જ વાત સાચી લાગે છે. એકબીજાં માટે જાન ન્યોછાવર કરવાની વાતો કરનાર યુગલનો અહંકાર અચાનક એકબીજાં સાથે ટકરાવા લાગે છે. એમાં સમજણનો અભાવ હોય તો ફરી સાથે રહેવાની કે ભેગા થવાની શક્યતાઓ સાવ ઘટી જાય છે. પરંતુ કવિતાના શબ્દોનું વજન કેવું જબરજસ્ત છે, એની વાત કરતાં આ ગીતનાં ગાયિકા હંસા દવેએ એક ખૂબ સુંદર પ્રસંગ વર્ણવ્યો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે અમેરિકાની ટૂર પર હતાં અને ત્યાંના ડલાસ શહેરમાં એમનો કાર્યક્રમ હતો. થોડાંક ગીતો ગવાયાં પછી હંસાબહેને આ ગીત શરૂ કર્યું, જનમોજનમની આપણી સગાઇ…! ગીત પૂરું થયું, કાર્યક્રમ પૂરો થયો.
“ઓડિયન્સમાં એક પ્રોફેસર દંપતી બેઠું હતું. આંખમાં ઝળઝળિયાં સાથે બન્ને સ્ટેજ ઉપર આવ્યાં અને અમને કહ્યું, “અમારી વચ્ચે આઠ વર્ષથી અબોલા હતાં. બાળકોને ખાતર એક જ છત નીચે, એક જ ઘરમાં રહેવા છતાં અમે અલગ હતાં, પણ આ તમારાં ગીતની અમારા પર એવી અસર થઈ છે કે આજથી અમે સાથે મળીને સરસ રીતે જીવવાની કોશિશ કરીશું. અમારે માટે આનાથી મોટો પુરસ્કાર બીજો કયો હોઈ શકે? આશ્ચર્યજનક વાત તો હવે આવે છે. ત્યાર પછી દસ વર્ષ બાદ અમદાવાદના ટાઉનહોલમાં અમારો કાર્યક્રમ હતો. પુરુષોત્તમભાઈ ઘણી વખત ગીત સાથે સંકળાયેલો કોઈ યાદગાર પ્રસંગ પણ કહે. એમાં એમણે આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો કે ડલાસના અમારાં કાર્યક્રમમાં આ ગીતની એવી ઊંડી અસર થઈ હતી કે અબોલા લીધેલું એક પ્રોફેસર દંપતી મળવા આવ્યું અને એમણે સાથે રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. તમે માનશો? અમારા આશ્ચર્ય વચ્ચે એક બહેન ઊભાં થયાં અને એમણે કહ્યું કે એ હું જ એ વ્યક્તિ છું. અમેરિકાથી થોડા સમય માટે અમે અહીં અમદાવાદ આવ્યાં છીએ અને છેલ્લાં ૧૦ વર્ષથી સુંદર સહજીવન ગાળી રહ્યાં છીએ. કવિના શબ્દોની આ જ તો કમાલ છે! ધારદાર કવિતા કેટકેટલાંનું જીવન બદલી શકે છે. પુરુષોતમભાઈએ પણ આ ગીતનું ખૂબ ભાવવાહી એનું સ્વરાંકન કર્યું છે. જો કે, આ ગીત સાંભળવામાં જેટલું સહેલું લાગે છે એટલું જ ગાવામાં અઘરું છે. હંસાબહેન સ્મૃતિમાં સરી જાય છે.
સ્વરનિયોજન કરતી વખતે તૈયાર ધૂનોમાં શબ્દો ન ઢાળે, પરંતુ શબ્દોના મર્મને સમજી કવિના ભાવ જગતમાં અવગાહન કરીને પછી જ તર્જ બનાવનારા પુરુષોત્તમ ઉપાધ્યાય આ ગીત અને ‘મેઘબિંદુ’ સાથેની મૈત્રી વિશે કહે છે, “અમારી મૈત્રી લગભગ ચાલીસ વર્ષ જૂની છે. પહેલીવાર મેં એને કોઈક કાવ્ય સંમેલનમાં જોયો ત્યારે મને થયું કોઈ દેશી માણસ ભૂલો પડ્યો લાગે છે. પણ મેં જ્યારે એની કવિતા વાંચી ત્યારે થયું કે એની વાતમાં ચોક્કસ દમ છે. એ પછી તો એમનાં કેટલાં ય ગીતો મેં સ્વરબદ્ધ કર્યા છે, પરંતુ આજે તેં ગીતનો ઉલ્લેખ કર્યો છે એ સિવાય પણ મારું એક બહુ ગમતું એમનું ગીત છે :
સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ, લાગણીનાં દોરડાં ઘસાયાં
વાતોની વાવનાં ઊતરી પગથિયાં, પાણી પીધું ને ફસાયા …!
કેવી સચોટ વાત કરી છે આ પંક્તિઓમાં કવિએ! ‘મેઘબિંદુ’ બહુ સરળ-સહજ વ્યક્તિ છે. લાગણીનો માણસ છે.
“તમારા ગીતોમાં વિરહ-વેદના વધારે જોવા મળે છે એનું કારણ શું? એ પ્રશ્નના ઉત્તરમાં કવિ ‘મેઘબિંદુ’ કહે છે, “હું જરા વધારે પડતો ભાવુક છું અને પરકાયાપ્રવેશ બહુ સહજ રીતે કરી શકું છું એટલે મેં મારી આસપાસ કોઈ પણ વાત સાંભળી હોય કે ઘટના જોઈ હોય એ હું પોતે જ અંગતપણે અનુભવું અને પછી એ શબ્દો દ્વારા બહાર આવે છે. તમને એક ઉદાહરણ આપું. અમારા મુલુંડમાં એક પ્રોગ્રામમાં પુરુષોત્તમભાઈની બે દીકરીઓ, વિરાજ અને બીજલે મારું ગીત સાત સાત પગલાઓ … ગાયું પછી એક ભાઈ આવીને મને કહે કે તમે મારી વાત ક્યાંથી જાણી ગયા? આમાં તો મારી જ કથા છે. મેં કહ્યું કે તમારી વાત હું ક્યાંથી જાણું? મારી આસપાસ બનેલી કોઈ ઘટના જ મેં નિરૂપી છે. એ પછી તો એ ભાઈ લગભગ રોજ આ ગીત સાંભળે છે.
સુંદર શબ્દોની આવી અસર હોય છે. આજનાં આપણાં ગીત જનમોજનમ…ની વાત પર ફરી આવીએ તો એમાં એક જ વાત સ્પષ્ટ દેખાય છે કે સમજણની કેડી પર ચાલીએ તો સંબંધ સુગંધિત બની રહે છે. સંબંધોના આકાશમાં સ્નેહરૂપી સૂરજને જ્યારે અબોલાના કાળાં વાદળ ઘેરી લે, ત્યારે સર્જાતી ભાવશૂન્યતાને આ ગીતમાં બખૂબી રજૂ કરવામાં આવી છે. સંબંધોની દીવાલમાં તિરાડ પાડવા માટે શંકાની એક નાની સરખી કાંકરી પૂરતી છે. એવા પોલા સંબંધોમાં પછી વાતે વાતે સોગંદ લેવા પડે, જાતને પુરવાર કર્યાં કરવી પડે, એકબીજાં પરના આક્ષેપો ખોટા સાબિત કરવાનો નિરર્થક વ્યાયામ કરવો પડે. પરાણે જાળવી રખાતા સંબંધોની વ્યથાને આ ગીત ધાર કાઢી આપે છે. લગ્ન સંબંધમાં સમ+બંધ અને સમ+મુક્તિ બંને જરૂરી છે. પરિવાર પ્રત્યેની મીઠી જવાબદારીનું પતિ-પત્ની બંનેનું સરખું બંધન અને જિંદગીની ગતિમાં મુક્ત વિહાર કરવા બંનેને મળતું મોકળું આકાશ, આ બન્ને પ્રાપ્ત થાય તો જ લગ્ન સંબંધ ટકે. એ માટે પતિ-પત્ની વચ્ચે ગાઢ મૈત્રી અને પરસ્પર વિશ્વાસ હોવાં જરૂરી છે. બાકી, મૈત્રીની સદંતર ગેરહાજરીવાળાં લાખો લગ્નો રોજ થતાં રહેે છે અને નભતાં પણ રહે છે! ગુજરાતી સાહિત્યનાં ઊર્મિગીતોમાં પત્ની માટે ઘણી જગ્યાએ ‘સખી’ શબ્દ પ્રયોજાય છે. આ સખીભાવ અથવા તો સખ્ય જ્યાં હોય ત્યાં મુક્તિ હોય અને માલિકીભાવ હોય ત્યાં શોષણ હોય. શોષણ થાય ત્યારે સંબંધમાંથી બધો રસકસ ઊડી જાય અને સમજણની કેડી શોધવી પડે.
આ ગીતમાં ક્યાંય અટપટો ભાવ નથી. સીધી, સરળ અને સહજ અભિવ્યક્તિ છે. ગીતનો ઉપાડ ધીમી લયથી શરૂ થાય છે અને પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે આપણા ચિત્તને હલબલાવી મૂકે છે. હંસા દવેની મીઠી મધુરી ગાયકી સાથે સંવેદનાના આ સૂર માણવા આ ગીત જરૂર સાંભળજો.
નંદિની ત્રિવેદી
સૌજન્ય : ઓપીનિયન
મૂળ પોસ્ટીંગ 11.12.2020