નર્મદ ~ હું કવિ થવા જ સર્જાયો છું * Narmad

ઇસવીસન 1886 અને આજની તારીખ એટલે કે ૨૬મી ફેબ્રુઆરીએ કવિ નર્મદે આ વિશ્વમાંથી વિદાય લીધી નર્મદ એનું જાણીતું નામ અને પુરું નામ નર્મદાશંકર લાલશંકર દવે. અર્વાચીન યુગનો આરંભ કરનાર નર્મદ. એટલે એને નર્મદ યુગ પણ કહેવાય છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ જેવા બિરુદ નર્મદને મળ્યા છે.

કવિ નર્મદ કોલેજમાં હતાં એ સમયે એને કવિતામાં રસ જાગ્યો. પોતે કોલેજમાં મિત્રોને ભેગા કરી અને ચર્ચા કરે અને ભાષણ આપે એ તો એમની પ્રવૃત્તિ હતી જ પણ હવે કવિતામાં રસ જાગ્યો.

કોલેજમાં એમને વર્લ્ડ વર્ષની કવિતા ભણવામાં આવતી અને એમાં જે પ્રકૃતિ વર્ણન આવતા એનાથી નર્મદ ખૂબ પ્રભાવિત થતા એટલે એમણે પોતે અંગ્રેજીમાં સોએક પંક્તિઓ કવિતાની લખી અને એના પ્રોફેસરને બતાવે પણ પ્રોફેસરને આ પ્રયત્ન બહુ બાલિશ લાગ્યો એટલે એમણે નર્મદના ઉત્સાહ ઉપર ઠંડુ પાણી રેડી દીધુ.

જો કે નર્મદને મનમાં ખાત્રી હતી કે હું કવિ થવા જ સર્જાયો છું. એ ખૂબ બેચેન થયા નિરાશ થયા અને પોતાના મનની નિરાશા દર્શાવતા એમણે બે-ત્રણ પદો રચ્યા. પદો નિરાશાથી ભરેલા હતા પણ જેવા પદો રચાયા અને એમને આનંદનો અનુભવ થયો. એમાંથી જાણે એમને જીવનની દિશા મળી ગઈ અને એમણે લખ્યું છે કે 

“ભણવું કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે અને મને જારે પદો બનાવવાથી આનંદ થાય છે તારે હું તો એ કામ જ કરીશ – શેર જુવાર તો મળી રહેશે.”

આમ નર્મદને જાણે જીવનનું લક્ષ્ય મળી ગયું. પોતે કવિ બનવા જ સર્જાયા છે, એ માટે જ એમનો જન્મ થયો છે એ વાતની એમને ખાત્રી થઇ ગઇ અને એ સત્યમાં એમણે પૂરો વિશ્વાસ કરી લીધો.

પોતાની 23મા જન્મદિનથી તેઓ રીતસર કવિતા લેખનની શરૂઆત કરી. ‘બુદ્ધિવર્ધક સભા’માં પાછા જોડાઈ ગયા. નેતાગીરી એમની રગેરગમાં ભરી હતી. ત્યાં ભાષણો આપવાના શરૂ કર્યા અને જાહેરમાં કવિતાપાઠ કરવા લાગ્યા. શ્રોતાવર્ગને એમની નવા પ્રકારની કવિતા ખૂબ પસંદ પડવા લાગી. નર્મદનો ઉત્સાહ ઓર વધ્યો પણ એમને જાણ હતી કે કવિતાનો શાસ્ત્રીય અભ્યાસ બાકી છે.

નર્મદે પિંગળની શોધ આદરી. પિંગળ તો એમને મળ્યું નહીં પણ એક મિત્રે સંસ્કૃત છંદોની રચના સમજાવતું કાલિદાસનું ‘શ્રુતબોધ’ મેળવી આપ્યું એના ઉપરથી નર્મદે સંસ્કૃત છંદોના માપની સમજણ કેળવી અને એમણે સંસ્કૃત છંદોમાં કવિતા લખવા માંડી. એ પછી એમને સુરત જવાનું થયું ત્યાં એમને ‘છંદરત્નાવલી’ નામની પિંગળની જૂની હસ્તલિખિત પોથી મળી આવી એમણે એની નકલ ઉતારી લીધી. એમાં દોહરા ચોપાઈ જેવા છંદોના માપ આપેલા હતા તે સમજી લીધા.

નર્મદે કવિ બનવાની બરાબર તૈયારી કરવા માંડી એના પિતા એને ઘણી મદદ કરતા એકવાર મિત્ર લાલશંકરે નર્મદને દલપતરામની કવિતાઓ બતાવી અને કહ્યું કે “હું તો તારી હોશિયારી ક્યારે જાણું કે પિંગળ બનાવે તારે.” આ વાતને પડકાર ગણી લઈને નર્મદે પિંગળ વિશે પુસ્તક લખ્યું ! એમના પિતાએ ખુશ થઈને એની સ્વચ્છ નકલ કરી આપી.

‘પિંગળપ્રવેશ’ પુસ્તક છપાયું. એનું અવલોકન કરતા દલપતરામે 1857ના જૂનના બુદ્ધિપ્રકાશમાં લખ્યું કે ગુજરાતી ભાષામાં “કવિતાની રીત જાણવાનો ગ્રંથ આજ સુધી કોઈએ બનાવેલો નહોતો તે હાલ મુંબઈમાં ભાઈ નર્મદાશંકરે બનાવીને છપાવ્યો છે. એ પુસ્તક બનાવતાં તેને ઘણી મહેનત પડી હશે અને એ વિષયનું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલ વેલું થયું છે.”

નર્મદ ને ખૂબ પ્રોત્સાહન મળ્યું એમણે અલંકાર અને રસનો સંસ્કૃતના પંડિતો પાસે અભ્યાસ કર્યો અને ‘રસપ્રવેશ’ પ્રસિદ્ધ કર્યું. 1858ના એપ્રિલ-મેમાં નર્મ-કવિતા ના બે અંક પણ પ્રગટ થઈ ચૂક્યા હતા.

ત્રણ વર્ષમાં તો નર્મદ ‘કવિ નર્મદ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી થાય એ માટે એમણે 1858માં શિક્ષકની નોકરી છોડી દીધી. નિશાળેથી આવીને ઇષ્ટદેવતા કલમની સામે માથું નમાવી આ અનન્ય સરસ્વતીપુત્ર અરજ કરે છે કે “હવે તારે ખોળે છઉં.”  

પિતાનો એમને સહકાર હતો એટલે ઠપકો ન આપતા એટલું જ કહ્યું કે ભાઈ ઉતાવળ કરવાની શી જરૂર હતી ? આ વ્રત નર્મદે 24 વર્ષ પાળ્યું. 

– ચાર આના દૂધપૌંઆ પર રહેવું પડે, ઘરના માણસો માંદા હોય અને એમની દવા કરાવવાના પૈસા ન હોય, માથે કરજનો અસહ્ય બોજો હોય કે અનેકવાર હૃદય ચીરી નાખે એવી માનસિક પીડાનો અનુભવ થાય છતાં કોઈની આગળ દિન થઈને જાચવું નહીં અને લીધેલું વ્રત મૂકવું નહીં.

સલામ કવિ નર્મદ !

સંદર્ભ 

અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા – ધીરુભાઈ ઠાકર.

OP 26.2.2021

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top