પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ ~ ભલે બુઝાવવા * Purvi Brahmbhatt

ભલે બુઝાવવા એને

ભલે બુઝાવવા એને, હવા એ ફૂંક મારી છે,
ઝઝૂમવાની દીવાએ વાત હિમ્મતથી સ્વીકારી છે.

હવે દુઃખદર્દ મુઠ્ઠી વાળીને છે નાસવા મજબૂર,
મને પાલવથી ઢાંકીને નજર ‘મા’ એ ઉતારી છે.

વ્યથા, મુંઝારો ને ઉજાગરો એમાં છે રેડાયા,
તમે જે શેર પર વારી જઈ વાહ’ વા પુકારી છે.

ઉછેરીને કરી મોટી ચઢાવી છે ઘણી માથે,
કહ્યું માને છે ક્યાં મારું ? બહુ જીદ્દી ખુમારી છે.

ઉઠાવીને નજર એણે ના જોયું હોત તો સારુ,
એ પાણીદાર આંખોએ તરસ મારી વધારી છે.

નથી ઉપમા-અલંકારોનો કોઈ ઠાઠ શબ્દોમાં,
છતાં ઉતરે હૃદયમાં એ, સરળ બાની અમારી છે.

કરો સરવાળો ઉજવેલા પ્રસંગોનો તમે જ્યારે,
ખબર પડશે ગજાથી પણ વધુ કિસ્મત તમારી છે.

~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

કોરોનાનો કાળ આખા વિશ્વને માટે કઠિન અને કઠિનતર બની રહ્યો છે. ત્યારે આ ગઝલમાં ખાસ કરીને પહેલા અને છેલ્લા શેરની હકારાત્મકતા હૈયે ભરવા જેવી છે. ચાહે કોરોના, ચાહે જીવનમાં ડગલે ને પગલે આવતા સંઘર્ષોમાં સરવાળો ઉજવેલા પ્રસંગોનો કરીશું ત્યારે જ કિસ્મતની કૃપા કેટલી વરસી છે એ ખ્યાલ આવશે ! 

મૂળ પોસ્ટીંગ 22.10.2020

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ ~ ભલે બુઝાવવા * Purvi Brahmbhatt”

  1. પૂર્વી બ્રહ્મભટ્ટ

    ખૂબ ખૂબ આભાર લતા બહેન 😊🙏❤

Scroll to Top