ઘટમાં ગુંજે ઝીણું જંતર, ઘટની બહાર ઢોલ નગારા
અગમપંથની ગત જાણે જે, એને અંતર હો અજવાળા
નાદ અનાગત સુણે સૃષ્ટિનો, પ્રેમ થકી જે પહોંચે ભીતર
પિંડ મહીં જે વિહરે ચેતન, એ જ વિહરતો બાવન બારા
શ્વાસ લગોલગ પરખાતો, નિજ દેહ તણો છે સ્વામી ‘દૃષ્ટા’
ગુરુવચન પામી આચરતો, એ નર તોડે કરમના તાળા
‘ભોગ’ કરાવે જીવનબંધન, યોગ અપાવે જીવનમુક્તિ
‘સ્વધર્મ’નો જે મારગ સાધે, એ સતસંગી સૌથી ન્યારા
સ્થિરબુદ્ધિ તો અલખના દેશે, ત્રિગુણ દેખી વેશ ભજવતા
સુરતા જેની હરિવર સાથે, ધરે ધ્યાન નિત જપ-તપ-માળા….
~ વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
કાવ્ય તો અંદરના અજવાળા પ્રગટ કરતી ભાષા છે. વિષયની પસંદગી કવિની પ્રૌઢિ બતાવે છે અને એ સાહિત્યનો કયો પ્રકાર છે કે એમાં કલા કેટલે પહોંચી છે એ ક્યારેક ગૌણ બની જાય છે. આ વિષય પર ઘણું લખાઈ ચૂક્યું છે, ચિંતનોના દરિયા ઉછળ્યા છે અને તોય એમાં સાચા અર્થમાં પ્રવેશનારા અને પામનારા તો જૂજ. અહીં મૂળ વાત આ દિશા દેખાવાની છે, ભલે પામતાં જન્મો વહી જાય પણ દૃષ્ટિ જવી એય મોટી વાત છે. ઘણી નાની વયની કવયિત્રીને આવી રચના આપવા બદલ પ્રેમ અને પ્રેમ…
સાભાર : ‘મોરપીંછને સરનામે’ કાવ્યસંગ્રહ
24.11.2020
