કૂંચી આપો બાઇજી
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇજી……..
કોઇ કંકુથાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો
કોઇ મીંઢળની મરજાદા લઇ, મને પાંચીકા પકડાવો
ખડકી ખોલો બાઇજી
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇજી…..
તમે ઘરચોળામાં ઘુઘરીયાળી ઘરવખરી સંકેલી
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલી
મારગ મેલો બાઇજી
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇજી……
~ વિનોદ જોશી
આસ્વાદ ~ લતા હિરાણી
યૌવનના ઉંબરે પગ મૂકતાં ફાટફાટ થતાં ઓરતાની આ કવિતા નથી… ખોવાઇ ગયેલા ખડખડાટ હાસ્યથી વ્યાપેલી હતાશાનું આ કાવ્ય છે. સાહ્યબાની વાટ્યું જોતી સજનીના આ શબ્દો નથી, બાઇજીના ખોરડે માથું મૂકીને રોતી ને પોતાના પાંચીકા શોધતી કન્યાનું આ ગીત છે. કવિ વિનોદ જોશી ગીતોના રાજા છે… લય અને લહેકાને સૂરની સંગતમાં વહેવડાવનારા આ કવિ છે. ગ્રામ્ય વાતાવરણ, ગામઠી બોલી, ગામઠી શબ્દપ્રયોગો એમની સમૃદ્ધિ છે અને આ કે એમના બીજા અનેક કાવ્યોમાં એ બેય કાંઠે છલકાય છે.
કન્યા પોતાના બાઇજી એટલે કે સાસુમા પાસેથી કૂંચી માગે છે. સાસરે સાસુનો કડપ છે. એની મરજાદામાં, એની આણમાં એણે રહેવાનું છે. એ પોતાની આંખ અને પાંખ ખોઇને અહીં પ્રવેશી છે.
કેટલી પીડા છે આ શબ્દોમાં, ‘કોઇ કંકુથાપા ભૂંસી દઇ મને ભીંતેથી ઉતરાવો …’ પરણીને સાસરે આવતી વહુ ગૃહપ્રવેશ કરતી વખતે ભીંતે બેય હાથેથી કંકુથાપા કરે છે. આ રિવાજ છે, જે પળાયો છે પણ હવે એને કેટલી ગુંગળામણ અનુભવાય છે કે ભીંતેથી કંકુથાપા ઉતારી લેવા એ બાઇજીને વિનવે છે… એને મીંઢળની મરજાદા છોડી, પાંચીકાથી રમવું છે. એક સમય હતો કે જ્યારે લીસા લીસા ગોળ પાંચીકા રમવામાં આખો દિવસ વેરાઇ જતો’તો ને આજે જવાબદારીના બોજ વેંઢારી દિવસ વ્હેરાઇ જાય છે !!
નાયિકા કહે છે કે બાઇજી, તમને કેવા કટાણે મને પોંખવાનું સૂઝ્યું ? તમે મને નહીં, મારા કલરવની કઠણાઇને પોંખી છે…. તમે મારા ગુંજતા કલરવને સંસાર વ્યવહારની કરવતથી કાપી નાખ્યો છે… નાની હતી ત્યારે ઘરઘર રમવા માટે મારી નાની નાની ઘરવખરીને ઘુઘરીઓ ટાંકી’તી. ઘરચોળામાં એ બધી ઘૂઘરીઓ ખોવાઈ ગઈ. મારા હૈયામાં છલકાતી નદિયુંને તમે કોણજાણે ક્યા ઉંબરેથી પાછી ઠેલી ? દાદાની વડવાઇયુંને પકડીને ઝૂલતા મારા બાળપણને તમે કુહાડે કુહાડે વેડી નાખ્યું બાઇજી, હવે મારો મારગ મેલો, મારો મારગ રોકો મા, મને મારું ખળખળ વહેવાનું પાછું આપી દ્યો… હવાની જેમ કુંજે કુંજે ભમવાનું ફરી મારા ભાગ્યમાં લખી દ્યો બાઇજી. આ તમારા રાજમાં મારા શ્વાસ રુંધાય છે… રજા આપો તો મારા ગીતને મોકળા કરું, બાઇજી…..
નકરી પીડાથી છલકાતું આ ગીત બાઇજીની આણ સામે તો બગાવત કરે જ છે સાથે સાથે ક્યાંક ઊંડે ઊંડે સાંવરિયાની ઉદાસી સામેય ઇંગિત કરે છે… નહીંતર આ દુખ તો સાવ નાનું બની જાય. આ હતાશાનાં કારણના મૂળમાં એય હોય ! પરણ્યાના પ્રેમની કોઇ પળ આમાં વરતાતી નથી, બસ વસવસો છે જે ખોવાયું છે એનો. એની ચીસ એટલી તીવ્ર છે કે ભાવકના મનમાંયે પાર વગરનો વલોપાત પેદા કરે છે.
સાવ જુદા જ ભાવનું પણ લોકબોલીની સોગાત લઇને આવતું અને પ્રીતમના પ્રેમની છડી પોકારતું કવિનું આ ગીતનું મુખડું જુઓ, કેટલું નટખટ છે !
એણે કાંટો કાઢીને મને દઇ દીધું ફૂલ હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ… – લતા હિરાણી
દિવ્ય ભાસ્કરની ‘કાવ્યસેતુ’કોલમમાં પ્રકાશિત 17 સપ્ટેમ્બર 2013
મૂળ પોસ્ટીંગ 8.12.2020